સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આજે મુંબઈ પોલીસની એક ટીમ સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે સલમાન ખાનને ધમકી મળી હતી કે તેમની પણ સિદ્ધુ મુસેવાલાની જેમ હત્યા કરી નાખવામાં આવશે. આ ધમકી એક પત્ર દ્વારા આપવામાં આવી છે.
સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનના નામથી અજાણ્યા વ્યક્તિએ પત્ર મોકલ્યો હતો. સલીમ ખાન 5 જૂનના સવારના સાડા સાત વાગ્યે પોતાના બોડીગાર્ડની સાથે બેન્ડસ્ટેન્ડ વોક માટે ગયા હતા. કસરત અને વોકિંગ કર્યા પછી તેઓ પોતાની રોજિંદી બેસવાની બેન્ચ પર બેસવા ગયા. એ સમયે તેમના બોડીગાર્ડ શ્રીકાંત હેગિસ્ટને એક પત્ર મળ્યો હતો. સલીમ ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો જે તેમને અને પુત્ર સલમાન ખાનને સંબોધીને લખવામાં આવ્યો હતો. સલીમ ખાન, સલમાન ખાન ટૂંક સમયમાં તમારો હાલ મુસેવાલા જેવો થશે એમ એમાં લખેલું હતું.
આ પ્રકરણે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે મુંબઈની બાંદ્રા પોલીસે એફઆઈઆર નોંધી છે. પોલીસે આઈપીસીની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો છે.
મુંબઈ પોલીસ એલર્ટ
સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સમગ્ર બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. ફેન્સથી લઈને સેલેબ્સ સુધી બધા જ સલમાન ખાનને લઈને ખૂબ જ ચિંતિત છે. પોલીસ પણ હવે આ મામલે એલર્ટ મોડમાં છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આજે મુંબઈ પોલીસની ટીમ સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ પહોંચી છે. સલમાન ખાનના ઘરે જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાગ્રે પાટીલ અને ડીસીપી મંજુનાથ શેંગે પહોંચ્યા છે.
તેમણે પોલીસને ધમકીભર્યો પત્ર પણ સોંપ્યો છે. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સલમાન ખાન અને તેના પિતાને કોણે મારી નાખવાની ધમકી આપી છે.
સલમાન ખાનની સિક્યોરિટી વધારશે મુંબઈ પોલીસ?
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની તાજેતરમાં જ ધોળાદિવસે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલા પર 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સિંગરની હત્યા બાદ બોલિવૂડના સૌથી મોટા સ્ટારને ધમકી મળવી ખરેખર ચિંતાનો વિષય છે. સલમાનના પિતાને મળેલા ધમકીભર્યા પત્રમાં સિદ્ધુ મુસેવાલાનું નામ મળવું ચિંતાજનક છે. આવી સ્થિતિમાં મુંબઈ પોલીસ હવે સલમાન અને તેના પરિવારની સુરક્ષા વધારી શકે છે.