ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાંટોલ ગામે જૂની અદાવતમાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે.
10 જેટલા શખ્સોએ યુવકને માર મારતા આ મામલે ફરિયાદ નોંધાવા પામી છે. મળતી માહિતી મુજબ, ઝઘડિયા તાલુકાના કાંટોલ ગામે એક લગ્ન પ્રસંગમાં પહોંચેલા યુવકને 10 જેટલા શખ્સોએ માર માર્યો હતો. તાલુકાના ભીલવાડા ગામે રહેતા વિકાસ વસાવા નામનો યુવક ગત 22 મેના રોજ કંટોલ ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યો હતો.
જે દરમિયાન દશરથ વસાવા સહિતના કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા, અને યુવકને તું અહીં કેમ આવ્યો છે? તેમ કહી તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી લાકડીથી તેમજ ગળદાપાટુનો માર માર્યો હતો. મારામારીમાં ઘાયલ થયેલ યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
યુવકે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણ મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતને ધ્યાનમાં રાખી તેને માર મારવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે યુવકની ફરિયાદના આધારે 10 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.