રાજ્યમાં નવા વર્ષથી કોરોનાના કેસોમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11 હજારથી વધુ એટલે કે 11,176 કોરોનાના કેસ નોંધાયા છે અને 4,285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. વધુમાં અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મળી કુલ 5 લોકોના મૃત્યું થયા છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 50 હજારને પાર થઈ ગઈ છે. જેમાંથી 64 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 50 હજાર 548 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 96 હજાર 894ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 142 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 36 હજાર 140 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય કોરોના સાથેની કામગીરીમાં સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ માટે 15 જાન્યુઆરીએ એટલે કે શનિવારે રજા જાહેર કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, 7 જાન્યુઆરીએ નાઈટ કર્ફ્યૂ સહિતની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી, જેની 15 જાન્યુઆરીએ મુદ્દત પૂર્ણ થઈ રહી છે. 14મીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. આ ઉપરાંત 15મીથી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.