અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હાલ એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. અમદવાદ (Ahmedabad) શહેરમાં સ્વાઈન ફ્લૂના એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે સ્વાઈન ફ્લૂ (swine flu)ના દર્દીના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. કોરોનાની વચ્ચે ફ્લૂથી દર્દીનું નિધન થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીના મૃત્યુએ તંત્રની ચિંતા વધારી દીધી છે.
એક રિપોર્ટ અનુસાર, નારણપુરા અને સરખેજના એક- એક વ્યકિતનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂનો સ્પેશિયલ વોર્ડ ઉભો કરી બંને દર્દીની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાંથી એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અત્રે નોંધનીય છે કે, સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ વોર્ડમાં 80 બેડ તૈયાર કરાયા છે. 36 વેન્ટિલેટર બેડ પણ સ્વાઈન ફ્લૂ માટે તૈયાર કરવામાં આવ્યા છે.
સ્વાઈન ફ્લૂ શું છે અને તે કઈ રીતે થાય છે?
આ એક પ્રકારનો સંક્રામક રોગ છે. આ રોગ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસને કારણે થાય છે. સ્વાઇન ફ્લૂ શ્વાસથી ફેલાતી બિમારી છે. માન્યતા પ્રમાણે તે ડુક્કરથી ફેલાતી નથી, પણ લોકોથી જ ફેલાય છે. તે H1N1 નામના વાયરસથી ફેલાય છે. જે અન્ય સામાન્ય વાયરસ જેવો જ છે, પણ થોડોક સ્ટ્રોંગ છે. મોં વાટે તે શ્વાસનળીમાં જઇ ફેફસામાં પહોંચે છે. એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સિઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, સિઝનલ તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે. સતત બે દિવસ સુધી વધુ તાવ હોય અને શ્વાસમાં વધુ તકલીફ પડતી હોય તો તાત્કાલિક ડોક્ટર પાસે જવુ જોઇએ.
સામાન્ય લક્ષણોમાં શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, ઝાડા, ઉબકા કે ઉલટી, વહેતું નાક વગેરેનો સમાવેશ થાય છે. જો ગંભીર હોય તો, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, ઓક્સિજનની અછત, છાતીમાં દુખાવો, સતત ચક્કર, ભારે નબળાઈ વગેરે જોવા મળે છે.