દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7240 નવા કેસ નોંધાયા છે. બુધવારે દેશમાં 5233 નવા દર્દીઓ નોંધાયા હતા. આના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે 3741 નવા સંક્રમિત મળી આવ્યા હતા. આનાથી સાબિત થાય છે કે સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે.
દેશમાં સતત બીજા દિવસે કોરોના દર્દીઓમાં 40 ટકાનો વધારો થયો છે. બુધવારે 94 દિવસ બાદ દેશમાં નવા સંક્રમિતોની સંખ્યા 5000ને વટાવી ગઈ હતી. મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં કોવિડના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 3641નો વધારો થયો છે. દેશમાં સક્રિય કેસ હવે 32,498 છે. અપડેટ આંકડા અનુસાર, કોરોનાને કારણે વધુ આઠ લોકોના મૃત્યુ થયા છે. આ સહિત અત્યાર સુધીમાં કુલ 5,24,723 મૃત્યુ થઈ ચૂક્યા છે.
જૂનમાં કોરોનાએ પકડી ગતિ
કોરોનાના વધતા જતા કેસોએ ફરીથી આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. કોરોનાના આંકડાઓ પર નજર કરીએ તો આ મહિનાની શરૂઆતથી જ કોરોનાએ જોર પકડ્યું છે. 1 જૂનથી 7 જૂન સુધીમાં દરરોજ લગભગ ચાર હજારની આસપાસ કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ સપ્તાહના શરૂઆતના દિવસોથી જ 5000થી વધુ કેસ સામે આવવા લાગ્યા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
– કુલ કેસઃ 4,31,97,522
– એક્ટિવ કેસ: 32,498
– કુલ રિકવરીઃ 4,26,40,301
– કુલ મૃત્યુઃ 5,24,723
– કુલ રસીકરણ: 1,94,59,81,691