તા.07/04/2021
દર વર્ષે 07 એપ્રિલના રોજ ઉજવવામાં આવતા વિશ્વ આરોગ્ય દિવસની થીમ – દરેક વ્યક્તિને સમાન અને યોગ્ય સ્વાસ્થ્ય સેવા મળી રહે તેવા વિશ્વનું નિર્માણ કરવાનું છે. અત્યારના કોવિડના સમયમાં વૃદ્ધોના સ્વાસ્થની કાળજી લેવાની ખાસ જરૂર છે. આ હેતુથી વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે કુહા ખાતે આવેલ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને પણ સારી સ્વાસ્થ્ય સેવાઓ અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આયોજિત આ કેમ્પમાં 50થી વધુ વૃદ્ધોએ ભાગ લીધો હતો. આ નિદાન કેમ્પમાં મેડિસિન-ફીઝીશીયન, હાડકાં-સાંધાના રોગોના ડોકટરો દ્વારા નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય-લક્ષી સમસ્યાઓ જેવી કે બ્લડસુગર, બ્લડપ્રેશર, હાડકાંના દુખાવા, સાંધાના દુખાવા વગેરેની તપાસ તેમજ નિઃશુલ્ક દવાઓની સુવિધા પણ આપવામાં આવી હતી. કેમ્પના લાભાર્થીઓને વધુ સારવાર માટે જીસીએસ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કન્સલ્ટેશન અને તપાસનો પણ લાભ મળશે.
જીસીએસ હોસ્પિટલમાં “મુખ્યમંત્રી અમૃતમ (મા)” યોજના અને ‘આયુષ્માન ભારત’ યોજનાનાકાર્ડધારકો માટે નિઃશુલ્ક ઓપરેશન-સારવારની સુવિધા ઉપલબ્ધ છે. જીસીએસ હોસ્પિટલએ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રીલેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલમાં હાલમાં કોવિડ દર્દીઓની સારવાર ઉપરાંત નોન-કોવિડ દર્દીઓની માટે પણ સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે.
શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજસેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવાદરે નિદાનથી લઈ સારવાર આપવા કાર્યરત છે.