સંસદના શિયાળુ સત્રમાં ભારે હોબાળો થયો છે. બીજા દિવસની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે રાજ્યસભા અને લોકસભામાં સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે હોબાળો કર્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ 12 સાંસદોનું સસ્પેન્શન રદ્દ કરવાની માંગને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, સસ્પેન્શનનો નિર્ણય બંધારણીય છે અને તેમણે તેને રદ્દ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમના આ નિર્ણય બાદ વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
વિપક્ષના હોબાળાને કારણે પીયૂષ ગોયલ નારાજ
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 12 સાંસદોને સસ્પેન્ડ કરવા પર વિપક્ષના હોબાળા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું- “ગત સત્રમાં વિપક્ષનો ઈરાદો સત્ર ચાલુ ન થવા દેવાનો હતો. સ્પીકરનું અપમાન કરવામાં આવ્યું, પેપર ફેંકવામાં આવ્યા. લેડી માર્શલને ઈજા થઈ. તેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી યોગ્ય છે. સભ્યોએ માફી માંગવી જોઈએ.”
લોકસભાની કાર્યવાહી ફરી સ્થગિત
12 સાંસદોના સસ્પેન્શનને લઈને વિપક્ષના હોબાળાને કારણે મંગળવારે લોકસભા ત્રીજી વખત સ્થગિત કરવામાં આવી હતી. પહેલા બપોરે 12 વાગ્યા સુધી, પછી 2 વાગ્યા સુધી અને હવે ફરીથી 3 વાગ્યા સુધી લોકસભા સ્થગિત કરવામાં આવી છે.
12 સાંસદો સસ્પેન્શનનો વિરોધ કરશે
રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા 12 સાંસદો રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને પત્ર લખી તેમના સસ્પેન્શન વિરુદ્ધ દલીલો રજૂ કરવામાં આવશે. તેઓ બુધવારે સંસદની સામે ગાંધી પ્રતિમા પાસે ધરણા પણ કરશે.
માફી માંગ્યા વિના 12 સાંસદોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં આઠ વિપક્ષી દળોના એક જૂથે રાજ્યસભામાં 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે ડેપ્યુટી સ્પીકર વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વેંકૈયા નાયડુએ અહીં વિપક્ષને સ્પષ્ટ કર્યું કે જો સાંસદો માફી નહીં માંગે તો તેમનું સસ્પેન્શન ચાલુ રહેશે.
સાંસદોના સસ્પેન્ડેડ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કઇ વાતની માફી? સંસદમાં જનતાની વાત ઉઠાવવાની? બિલકુલ નહીં.
किस बात की माफ़ी?
संसद में जनता की बात उठाने की?Advertisementबिलकुल नहीं!
— Rahul Gandhi (@RahulGandhi) November 30, 2021
જબરજસ્તી કેમ માફી મંગાવવા માગે છેઃ અધીર રંજન ચૌધરી
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકારની આ નવી રીત છે. અમને ડરાવવાની, ધમકાવવાની. અમને અમારી વાતો રજૂ કરવાની તક મળે છે તેને છીનવી લેવાની આ સરકારી નવી રીતે છે. તેમણે વધુમાં કહ્યું કે અહીં જમીનદારી કે રાજાશાહી નથી કે અમે વાત વાતમાં તેમના પગ પકડીને માફી માંગીએ. તેઓ બળજબરીપૂર્વક કેમ માફી મંગાવવા માંગે છે. આ લોકશાહી માટે જોખમ છે.
ભારતમાં ઓમિક્રોનનો એક પણ કેસ નહીં: કેન્દ્રીય આરોગ્ય મંત્રી
રાજ્યસભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું કે ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી.
સંસદમાં ગાંધીજીની પ્રતિમા સામે વિપક્ષનું પ્રદર્શન
રાજ્યસભામાંથી 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે વિપક્ષના નેતાઓએ મંગળવારે સંસદ સંકુલમાં સ્થિત ગાંધી પ્રતિમાની પાસે ઉભા રહીને વિરોધ પ્રદર્શન કર્યું. આ સાંસદો લોકસભા અને રાજ્યસભામાંથી વોકઆઉટ કરીને બહાર એકઠા થયા હતા.