YouTube હવે આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયું છે. 15થી વધુ વર્ષોમાં YouTube પર લાખો વીડિયો અપલોડ કરવામાં આવી ચૂક્યા છે અને લગભગ દરેક પ્રકારનું કંટેંટ અહીં મળી જાય છે. કોઈપણ વ્યક્તિ YouTube પર પોતાનું એકાઉન્ટ બનાવીને વીડિયો શેર કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની શરૂઆત કેવી રીતે થઈ? યુટ્યુબના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલે વેબસાઈટ પર અપલોડ કરાયેલો પહેલો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘જો તમે આ વીડિયો વિશે વિચારશો, તો શોર્ટ વીડિયોથી જ અમે શરૂઆત કરી હતી.’
YouTube પર પહેલી વખત અપલોડ કરવામાં આવ્યો હતો આ વીડિયો
YouTube પર આ પહેલો વીડિયો છે, જેમાં યુટ્યુબના કો-ફાઉન્ડર જાવેદ કરીમ (Jawed Karim) જોવા મળી રહ્યા છે. 17 વર્ષ પહેલા અપલોડ કરાયેલા 19 સેકન્ડના આ વીડિયોમાં જાવેદ કરીમ સૈન ડિએગો ઝૂ (San Diego Zoo)માં હાથીના વાડાની સામે ઊભા છે. રસપ્રદ વાત એ છે કે તેમની વેરિફાઈડ YouTube ચેનલ પર અપલોડ કરાયેલો આ એકમાત્ર વીડિયો છે. તેને 235 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
વીડિયો જોયા બાદ લોકોએ આપ્યાં આવા રિએક્શન
YouTube કેવી રીતે શરૂ થયું? તેના વિશેના વીડિયો ઘણા પ્લેટફોર્મ પર જોવા મળશે, પરંતુ વેબસાઇટના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 17 વર્ષ જૂનો વીડિયો જોઈને યૂઝર્સ ફરીથી દંગ રહી ગયા. એક યુઝરે કમેન્ટ કરી, ‘અરે! મેં તેને ક્રોસ ચેક કર્યું અને તે સાચું છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ યુટ્યુબએ ઘણા લોકોના જીવનને બદલી નાખ્યું છે.’ પોસ્ટને 168,236 વખત જોવામાં આવી છે.
YouTube ઓફિશિયલ રીતે 14 ફેબ્રુઆરી 2005ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ગૂગલ પછી બીજી સૌથી વધુ જોવાતી વેબસાઈટ છે. વેબસાઈટ મુજબ, યુટ્યુબના મંથલી 2.5 બિલિયનથી વધુ યુઝર્સ છે, જેઓ સામૂહિક રીતે દરરોજ એક બિલિયન કલાકથી વધુ વીડિયો જુએ છે.