‘કૌન બનેગા કરોડપતિ 13’ના સેટ પર ટૂંક સમયમાં જ બચ્ચન પરિવાર ધમાલ મચાવતો જોવા મળશે. આ શૉને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. આ શૉના 1000 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન તથા દોહિત્રી નવ્યા શૉમાં આવવાના છે. કૌન બનેગા કરોડપતિમાં એવું ક્યારેક જ બન્યું હશે જ્યારે તેમનો પરિવાર પણ ગેમ શૉમાં હાજર રહ્યો હોય.
શૉમાં સાથે હશે અમિતાભ-નવ્યા અને શ્વેતા
તાજેતરમાં જ શૉના 1000મા એપિસોડની જાહેરાત કરતી વખતે ત્રણેયની એક સાથે તસવીરો સામે આવી હતી. હવે નિર્માતાએ એક દમદાર પ્રોમો 1.56 મિનિટનો વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયો શૅર કરીને કહેવામાં આવ્યું છે, ‘ચહેરા પરનું હાસ્ય, આંખોમાં ખુશીના આંસુ, જ્ઞાનનો ખજાનો તથા તમારા પ્રેમને કારણે ‘કેબીસી’ એક હજાર એપિસોડ પૂરા કરવા જઈ રહ્યો છે. આ ખુશીની ક્ષણે ભાવુક થયા AB Sir.’
સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા નવા પ્રોમોમાં શ્વેતા બચ્ચન પિતાને પૂછે છે, ‘પાપા હું પૂછવા માગું છું કે તમારો આ 1000મો એપિસોડ છે, તો તમને કેવું લાગે છે?’ સવાલનો જવાબ આપતાં અમિતાભ બચ્ચન કહે છે કે, એવું લાગે છે કે આખી દુનિયા જ બદલાઈ ગઈ. ત્યાર બાદ પ્રોમોમાં વીડિયોમાં ‘કેબીસી’ના પહેલા એપિસોડથી લઈ અત્યારસુધીની સફર બતાવવામાં આવી છે.
વીડિયોમાં સૌથી છેલ્લે અમિતાભ બચ્ચન એકદમ ભાવુક થઈ જાય છે. તેમની આંખોમાં આંસુ હોય છે અને પછી તેઓ કહે છે, ‘ઓલ રાઇટ, રમતને આગળ વધારવાની છે, કારણ કે રમત હજી પૂરી થઈ નથી.’ આટલું કહેતાં જ સેટ પર તાળીઓનો ગડગડાટ થવા લાગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2000માં શરૂ થયેલા આ શૉની હાલમાં 13મી સીઝન ચાલે છે. ઉલ્લેખનીય છે કે 13 સીઝનમાંથી ત્રીજી સીઝન શાહરુખે હોસ્ટ કરી હતી, બાકી બધી સીઝન બિગ બીએ હોસ્ટ કરી છે.