ED (Enforcement Directorate) દરોડા પાડે છે અને દરોડામાં ટેક્સની ચોરીના પૈસા અને અન્ય વસ્તુઓ જપ્ત કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ED જે પૈસા જપ્ત કરે છે તે ક્યાં જાય છે. ચાલો આજે તમને જણાવીએ કે દરોડા પાડયા પછી જપ્ત કરેલા આ પૈસા ક્યાં જાય છે.
EDએ છેલ્લા 4 વર્ષમાં 67000 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. EDને તેને પડેલા દરોડામાંથી મોટા ભાગની જગ્યાએથી સફળતા મળે છે. દરોડા પાડીને આ જગ્યાએથી અધિકારીઓને કરોડો રૂપિયાની રોકડ અને અન્ય સંપત્તિ મળે છે. જ્યારે કોઈ સરકારી એજન્સી દરોડા પાડે છે, ત્યારે તેને દસ્તાવેજો, રોકડ રૂપિયા, સોનું, ચાંદી અને અન્ય ઘણી વસ્તુઓ મળે છે.
અધિકારીઓ દરોડામાં જપ્ત કરાયેલા માલનું પંચનામુ કરે છે. જેનો માલ જપ્ત કરવામાં આવી રહ્યો હોય, એ વ્યક્તિની પણ પંચનામા પર સહી લેવામાં આવે છે. આ પછી જે મિલકત જપ્ત કરવામાં આવે છે તેને કેસ પ્રોપર્ટી કહેવાય છે.
પંચનામામાં શું લખ્યું હોય છે
જયારે પંચનામું થાય છે ત્યારે તેમાં લખવામાં આવે છે કે કેટલા રૂપિયા રિકવર થયા છે, કેટલા બંડલો છે. કયા ચલણની કેટલી નોટ છે, જેમાં કે 200 ની કેટલી 500 કેટલી નોટ એ પણ લખવામાં આવે છે. જપ્ત કરાયેલી રોકડમાં જો કોઈ નોટ પર કોઈ નિશાન કે કંઈક લખેલું હોય તો તે વિગતો પણ પંચનામામાં લખવામાં આવે છે અને તપાસ એજન્સી દ્વારા આવી રોકડ પુરાવા તરીકે રાખવામાં આવે છે અને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. બાકીની રોકડને બેંકમાં જઈને જમા કરાવી દેવામાં આવે છે.
જપ્ત કરાયેલા પૈસા કરાવે છે આ બેંકમાં જમા
તપાસ એજન્સીઓ જપ્ત કરાયેલા નાણાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવી દે છે. કેટલાક કિસ્સાઓમાં, તપાસ એજન્સીઓ પૈસા પોતાની પાસે પણ રાખે છે અને આ પૈસા કેસની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી તપાસ એજન્સીઓ પાસે રહે છે. આ બધું રોકડ માટે થાય છે.
બીજી તરફ, જો કોઈ પ્રોપર્ટી હોય, તો તે મિલકત PMLAની કલમ 5 (1) અંતર્ગત પ્રોપર્ટીને એટેચ કરવામાં આવે છે. કોર્ટમાં પ્રોપર્ટીની જપ્તી સાબિત થયા પછી, સરકાર PMLAની કલમ 9 અંતર્ગત આ મિલકતને કબજામાં લઈ લે છે. આ પ્રોપર્ટી પર લખેલું હોય છે કે આ પ્રોપર્ટી ખરીદી, વેચી કે વાપરી શકાશે નહીં.
આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે PMLA અનુસાર, ED માત્ર 180 દિવસ માટે જ પ્રોપર્ટી પોતાની પાસે રાખી શકે છે. મતલબ કે કોર્ટમાં જો આરોપી સાબિત થઈ જાય છે તો પ્રોપર્ટી સરકારની અને જો તે સાબિત ન થાય તો પ્રોપર્ટી તેની જ થઈ જાય છે જેની હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે ED જે પ્રોપર્ટી અટેચ કરી રહી છે એ કેસની કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હોય એ દરમિયાન આરોપી તે પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ આ પ્રોપર્ટી કોના હાથમાં જશે તેનો અંતિમ નિર્ણય કોર્ટનો હોય છે.
મતલબ કે જો કોર્ટ પ્રોપર્ટી સીઝ કરવાનો આદેશ આપે, તો પ્રોપર્ટી પર સરકારનો અધિકાર થઈ જાય છે, અને જો ED આરોપી સામે આરોપ સાબિત કરી શકતી નથી, તો પ્રોપર્ટી માલિકની પરત આપી દેવામાં આવે છે. ઘણી વખત કોર્ટ પ્રોપર્ટીના માલિક પર થોડો દંડ લગાવીને પ્રોપર્ટી પરત કરી દે છે.