એક તરફ દેશના કેટલાક રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક રાજ્યોમાં તાપમાન વધી રહ્યું છે. સ્કાઈમેટ વેધરના રિપોર્ટ પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન અસમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
સાથે જ સિક્કિમ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, દક્ષિણ કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં આગામી 24 કલાક દરમિયાન ધોલપુર, કરૌલી, ચુરુ, હનુમાનગઢ, ગંગાનગર, જિલ્લામાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે.
બીજી તરફ ચોમાસું કેરળથી અરબી સમુદ્ર થઈને કર્ણાટક પહોંચી ગયું છે. આગામી બે-ત્રણ દિવસમાં તે ગોવા અને મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો શુક્રવારે પવનની દિશા બદલાતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે.
આજથી રાજ્યના તમામ શહેરોમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. શુક્રવારથી પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનો શરૂ થયાં છે. જેથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે.