ગુજરાતમાં ઘણા દિવસોથી સિઝનનો સામાન્ય વરસાદ ચાલી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે વરસાદ અંગે એક વધુ આગાહી કરી છે. આ આગાહી મુજબ, રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ અને નર્મદામાં વાતાવરણ સૂકું રહેશે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસના હવામાન હાલ વિશે આગાહી કરી છે. આ આગાહી અનુસાર, હાલ રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ થશે. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને સામાન્ય વરસાદ થશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજા કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને જૂનાગઢમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે. કેટલીક જગ્યાઓમાં હળવો વરસાદ વરસશે. અમદાવાદમાં 33થી 35 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 70 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ 117 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 61.97 ટકા, મધ્ય ગુજરાતમાં 61.65 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં 56.86 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ થયો છે. 31 તાલુકામાં 40 ઈંચથી વધુ, જયારે 89 તાલુકામાં 20થી 40 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય 100 તાલુકામાં 10થી 20 ઈંચ અને 31 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે. સાથે જ ઓગસ્ટ મહિનામાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.