રાજકોટઃ સમગ્ર રાજ્યભરમાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ગામોમાં લમ્પી વાયરસે પશુઓમાં મોતનું તાંડવ મચાવ્યું છે, જેને લઈને પશુપાલકો ચિંતામાં મુકાયા છે. જેના કારણે મુખ્યમંત્રીને ખુદ કચ્છની મુલાકાત કરવાની ફરજ પડી છે.
ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં પણ પશુઓની વારે સેવાભાવી જલારામ ધૂન કીર્તન મંડળી આવી અને 500 જેટલા પશુઓ તેમજ ખેડૂતોના બળદોને લમ્પી વાયરસનું રસીકરણ કરવામાં આવ્યું. જલારામ કીર્તન મંડળીના યુવાનો ઘરે ઘરે જઈને ધૂન અને કીર્તન કરીને જે રકમ એકઠી થાય તે ગૌસેવામાં વપરાય છે.
વિરપુરમાં ઘણાં પશુઓને લમ્પીના લક્ષણો જોવા મળ્યા હતા જેમને લઈને આ લમ્પી વાયરસ વધારે ન ફેલાઈ તે માટે જલારામ ધૂન કીર્તન મંડળી દ્વારા ડૉકટરોની ટીમ સાથે રાખી વિરપુર ગામના ગાયોના ગોન્દ્રા પાસે પશુ દવાખાને રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 500 જેટલા પશુઓને લમ્પી વાયરસની વેક્સિન આપવામાં આવી હતી. પશુ ચિકિત્સની ટીમ દ્વારા વિરપુરમાં પશુપાલકોના ઘરે ઘરે જઈને સર્વે કરીને રસીકરણ કરવામાં આવશે.
રિપોર્ટઃ કિશન મોરબીયા, વિરપુર