ગાંધીજીના આચાર વિચારના જન જનમાં પ્રસાર માટે આયોજિત પદયાત્રા ના સમાપનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, મહાત્મા ગાંધીની કલ્પનાના રામરાજ્યને સાંપ્રદાયિક રીતે નહીં પરંતુ સર્વના કલ્યાણ સૌના સાથ સૌના વિકાસ અને સૌ સાથે મળી સામાજિક સમરસતાથી વિકાસના પરિપ્રેક્ષયમાં જોવાની અનિવાર્યતા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ 150મી ગાંધી જ્યંતીના સંદર્ભમાં યોજેલી 150 કિ.મિની પદયાત્રાનું લોકભારતી સણોસરામાં સમાપન થયું હતું.
સીએમ વિજય રૂપાણીએ ગાંધીજીના જીવન કવનને ટ્રસ્ટીશિપ સર્વધર્મ સમભાવ અને સત્ય અહિંસા જેવા વિચારો વિશ્વ આખાનું માર્ગદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યકત કરતા ભાવિ પેઢીને પ્રેરણા અને સ્વરાજ્ય ને સુરાજ્યમાં પલ્ટાવવાની દિશા ગાંધી વિચારો આપશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ દેશના મહાપુરુષો ગાંધીજી સરદાર સાહેબ સાવરકર ટિલકજી આંબેડકરજી વગેરે ના ત્યાગ તપસ્યા અને દેશ માટેના સમર્પણ ને આઝાદી પછી ના સાશકો એ એક જ પરિવારની ભક્તિ અને ગુણગાન કરવામાં ઇરાદા પૂર્વક વિસરાવી દેવાનો પ્રયાસ કર્યો તેની આલોચના કરી હતી.
તેમણે કહ્યુંકે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ ગાંધી 150 જન્મજ્યંતીની ઉજવણી સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી. આંદામાનની જેલને સેલ્યુલર જેલની ઓળખ અને અંબેડકરજી ના જીવન સાથે સંકળાયેલા 5 સ્થાનોનો વિકાસ જેવા કાર્યો ઉપાડી ને આ મહાપુરુષોનું યથોચીત ગૌરવ સન્માન કર્યું છે તેની ભૂમિકા આપી હતી. સીએમ વિજય રૂપાણીએ રાજ્ય સરકારને પણ 150મી ગાંધીજ્યંતીની રાજ્યવ્યાપી ઉજવણી કરીને સ્વચ્છતા અભિયાન સાથે ગરીબ, વંચીત, પીડિત, શોષિત કલ્યાણના અનેક કાર્યક્રમો ઉપાડયા છે તેની વિશદ છણાવટ કરી હતી.
150 કિ.મિની પદયાત્રાના સમાપન અવસરે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, જેમણે પ્રયત્ન કર્યો તે તમામ લોકોને હું અભિનંદન પાઠવું છુ. સંબોધનમાં તેઓએ સ્વચ્છતા વિશે ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે, સ્વચ્છતા કાર્યક્રમમાં સરકાર કરતા સમાજનું વધુ પ્રદાન રહેલું છે. વર્ષ ૨૦૨૨ પહેલાં દેશને 'ખુલ્લામાં શૌચ મુક્ત' બનાવવો પડશે. સ્વચ્છતાને આદત બનાવવા માટે તેમજ પ્રત્યેક નાગરિકને સ્વચ્છતાની જવાબદારી માથે લેવા માટે પણ તેઓએ હાકલ કરી હતી.
વડાપ્રધાને મોદીએ ગુજરાતની તમામ રાજકીય પાર્ટીના પ્રતિનિધિને આવી પદયાત્રા યોજવા વિનંતી કરતા જણાવ્યું હતુ કે, દેશની તમામ સામાજિક અને ગાંધીવાદી સંસ્થાઓ પણ પદયાત્રા કરે અને ફેબ્રુઆરી પહેલા તમામ પદયાત્રા પુરી કરે, ગાંધી ગુજરાતના હોવાથી આપણી સવિશેષ જવાબદારી છે. પીએમ મોદીએ મનસુખ માંડવિયા દ્વારા આયોજિત પદયાત્રાને ખુબ સફળ પ્રયોગ ગણાવ્યો હતો, આ સાથે તેઓએ જણાવ્યું હતુ કે, પદયાત્રાના ખુબ ઉત્તમ રિપોર્ટ મળ્યા છે, ભાવનગરની ધરતીથી નીકળેલો સંદેશ સમગ્ર દેશમાં જશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો.