પંચમહાલ: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની સરહદે આવેલ હાલોલ સાવલી રોડ પર રાજપુરા ગામ પાસે મુખ્ય હાઇવે રોડનું કામ ચાલી રહ્યું હતું.
આ દરમિયાન રોડ પર ડામરનું કામ કરતા એક રોડ રોલરના વાયરોમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં રોડ રોલરમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી.
મળતી માહિતી મુજબ, હાલોલ સાવલી રોડ પર આવેલા રાજપુરા ગામ પાસે મુખ્ય હાઈવે રોડનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન રોડ રોલરમાં અચાનક આગ લાગી હતી, જેના પગલે ભારે દોડધામ મચી હતી.
અચાનક આગ લાગતા રોડ રોલરના ચાલકે રોલરમાંથી કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. જ્યારે રોડ રોલરમાં લાગેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે કેટલાક લોકોએ રોડ રોલરમાં લાગી આગને કાબુમાં લેવા માટે પાણીનો છંટકાવ કર્યો હતો.
જોકે આગ કાબૂમાં ના આવતા રોડ રોલર બળીને ભષ્મીભૂત થઈ જાવા પામ્યું હતું. આ બનાવના પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો. જોકે, સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહતી.