વડોદરામાં વરસાદ આવે અને મગરો ટહેલવા ન નીકળે તો એ ચોમાસુ કહેવાય ખરું? કારણ કે વડોદરામાં ઘર કરીને બેઠેલા મગરો વર્ષમાં એક વાર તો શહેરની લટાર મારી જ આવે. ચોમાસામાં એકાદ ઘરમાંથી કે સોસાયટીમાં મગરના દર્શન તો થઇને જ રહે. ત્યારે વડોદરાવાસીઓ હવે સાચવજો. ડભોઇ તાલુકાના કાયાવારોહન ગામે તલાવડીમાં મગર હોવાની જાણ ડભોઇ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનોને કરાતા મોડી રાત્રિએ ભારે જહેમત બાદ મગર પાંજરે પુરાયો હતો. મગરથી ભયભીત સ્થાનિકોને નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આશરે 8 ફૂટનો મહાકાય મગર પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કાયાવારોહન ગામે મંદિર પાસે આવેલ તલાવડીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ મગર અંગે ડભોઇ વન વિભાગ આર.એફ.ઓ. કલ્યાનીબેન ચૌધરી તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલને જાણ કરતા સ્થળ ઉપર પાંજરા મૂકવામાં આવ્યા હતા. ત્યારે મોડી રાત્રે આશરે 8 ફૂટનો મહાકાય મગર પાંજરે પુરાયો હતો.
આ મગરને ઝડપી પાડવા વન વિભાગના આર.એફ.ઓ. કલ્યાનીબેન ચૌધરી સહિત ફોરેસ્ટર હંસાબેન રાઠવાને સાથે રાખી નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલની ટીમના આકાશ વસાવા, અક્ષય વસાવા, કિરણ વસાવા, મિહિર વસાવા, સુનિલ વસાવા, મુકેશ વસાવા, પીનલ વસાવા, યશ બારીયા, પ્રકાશ બારીયા, મેહુલ બારીયા, રોનક રાવલ, દેવન નાથબાવા દ્વારા ભારે જહેમત બાદ મગરને પાંજરે પુરવામાં આવ્યો હતો.
રિપોર્ટઃ હિતેશ જોશી, ડભોઇ