પંચમહાલ: ફેસબુક ઉપર ફ્રેન્ડ બની, મિત્રતા કેળવી કિંમતી ભેટ મોકલી આપવાના બહાને કુલ રૂપિયા ૨૮ લાખથી વધુની ઠગાઈ કરનાર ચાર શખ્સોને પંચમહાલ જિલ્લાના ગોધરા સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે.
સાયબર ક્રાઈમ પોલીસે પશ્ચિમ બંગાળ (દાર્જીલીંગ) તથા બિહાર રાજ્યનાં કુલ – ૪ આરોપીઓને ગુરુગ્રામ (ગુડગાવ), હરીયાણા ખાતેથી ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ, ગોધરા શહેરના એક વ્યક્તિને વિદેશથી કિમતી ભેટ મોકલવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડીના કિસ્સા બાદ હાલોલના એક વિમા એજન્ટે સોશિયલ મીડિયા સાઈટ પર સુંદર મહિલાઓની ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વિકારીને ચેટીંગ કરીને વિશ્વાસમાં લઇને વિદેશથી મોંધી ગિફ્ટ મોકલી છે, તેને છોડાવવા અલગ અલગ પ્રોસેસીંગ ફી ભરવાની છે.
તેમ કહીને વિવિધ બેંક ખાતામાં રૂપિયા 28.45 લાખ જમા કરાવીને છેતરપિંડી કરતાં હાલોલના મોહસીનખાને ગોધરાના સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને અજાણી આઇ.ડી.પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. જે મેં સ્વીકારી હતી. ત્યારબાદ મારી પાસેથી મોબાઈલ નંબર મેળવી મને કિંમતી ગિફ્ટ ફોરેનથી મોકલી હોવાનું જણાવવામાં આવ્યું હતું.જે ગિફ્ટ ને એરપોર્ટ પરથી છોડવવા માટે વિવિધ પ્રોસેસ ફી ના નામે નાણાંની માંગણી કરવામાં આવી હતી.
જેમાં આરોપીઓએ મારી પાસે તેઓના વિવિધ બેન્ક ના ખાતાઓમાં રૂ.૨૮,૪૫,૨૫૯ જમા કરાવડાવી આર્થિક નુકસાન કરી કિંમતી ગિફ્ટ આપવાના બહાને ઓનલાઈન છેતરપિંડી,વિશ્વાસઘાત કર્યો હતો. જેથી આ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ગોધરા સાયબર ક્રાઈમ પોલીસની ટીમે આ ફરિયાદના આધારે વિવિધ ટીમ બનાવી દિલ્હી તેમજ ગુડગાવ હરિયાણા ખાતે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો, જેમાં છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે શીખા રામેમાંગર તમાંગ, શબીના મનીકુમાર તમાંગ,રજત કુમાર છેત્રી,રાજુકુમાર પરમાત્મા રાયની ધરપકડ કરી મામલાની વધુ તપાસ હાથ ધરી છે