ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના કનૈયા કોમ્પલેક્ષમાં અધધ……વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડ ખાલી બોટલો જોવા મળતા ખળભળાટ મચી ગયો છે.
ડાકોર મંદિરે સમગ્ર રાજ્ય અને દેશમાંથી દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો મંદિરમાં બિરાજતા રણછોડરાયજી મહારાજના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હાલમાં દારૂની બદી ખૂબ જ વકરી હોય તેવું આજે સામે આવેલા વીડિયો પરથી લાગી રહ્યું છે. આ ગોરખધંધા પોલીસની મીઠી નજર તળે ચાલતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ડાકોરના કનૈયા કોમ્પલેક્ષમાં ખાલી અંગ્રેજી દારૂની બોટલો કેમેરામાં કેદ થઈ છે.
મહત્વની વાત એ છે કે, આ કોમ્પલેક્ષમાં એક શાળા પણ આવેલી છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવતા-જતા હોય છે. ત્યારે કોમ્પલેક્ષના પાછળના ભાગમાં અલગ-અલગ બ્રાન્ડની દારૂની કાચની તેમજ પ્લાસ્ટિકની બોટલો કેમેરામાં કેદ થઈ છે. જેને એક ખૂબ જ ખરાબ બાબત કહી શકાય.
અહીં બધી જ બ્રાન્ડની નાની-મોટી અને સસ્તીથી મોંઘી બોટલો જોવા મળી રહી છે. દારુની બોટલો જોવા મળતા સ્થાનિક લોકોમાં દારૂબંધીને લઈને સવાલો ઉઠ્યા છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આટલી બધી દારૂની બોટલો ક્યાંથી આવી હશે? આ દારૂની ખાલી બોટલ શું બતાવી રહી છે! શું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ધૂમ વેચાઈ રહ્યો છે દારૂ? કનૈયા કોમ્પલેક્ષમાં જોવા મળી રહેલી દારૂની ખાલી બોટલોને લઈને ડાકોર પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે.
રિપોર્ટઃ કાલુ બડે, ઉમરેઠ