રાજકોટ : રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગતરોજ રાજ્યમાં નોંધાયેલા 7476 કેસો પૈકી રાજકોટમાં 299 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
ત્યારે રાજકોટ જિલ્લામાં વકરતા કોરોના સંક્રમણને લઈ જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. જિલ્લાના ધોરાજીમાં કોરોના મહામારીની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સરકારી હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
હોસ્પિટલમાં પૂરતો ઓક્સિજનનો પુરવઠો, દવાઓનો જથ્થો ઉપરાંત કોવિડ વોર્ડમાં મોટી સંખ્યામાં બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સમગ્ર ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે, જેના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું છે.
ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોરોનાને લઈને દર્દીઓને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં 70 બેસ ઓક્સિજન તથા 20 સાદા બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
આ ઉપરાંત કોરોનાના તમામ દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શન, ઓક્સિજનનો જથ્થો, પીપીઈ કીટ, માસ્કની પણ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત સરકાર તરફથી ફાળવવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર છે જે 250 લીટર પર મિનિટે કાર્યરત છે. જ્યારે હોસ્પિટલમાં આરટીપીસીઆર લેબ પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.