નર્મદા જિલ્લા સહિત ગુજરાતભરમાં ગુરૂવાર અમાસથી દશામાનું વ્રત ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાશે. રાજપીપળાના લીમડા ચોક ખાતે દશામાની મૂર્તિઓ વેચાવા લાગી છે. અહીં રાતદિવસ મૂર્તિઓ શણગારવાનું કામ મહિલા કારીગરો કરી રહી છે. 10 દિવસ માઇ ભક્તો ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક દશામાનું વ્રત કરશે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
નર્મદા જિલ્લામાં ગુરૂવાર અમાસથી દશામાનું વ્રત શરૂ થાય છે. નર્મદા જિલ્લા સહિત ગુજરાતભરમાં અસંખ્ય માઇ ભક્તો ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક દશામાનું વ્રત કરે છે. આ વ્રત અમાસથી 10 દિવસ સુધી કરવાનું હોય છે. એવી માન્યતા છે કે, વ્રત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ પણ બની રહે છે. જેના કારણે માઇ ભક્તો દસ દિવસ સુધી આ પવિત્ર વ્રત કરતા હોય છે.
હાલ રાજપીપળામાં લીમડા ચોક ખાતે દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ માટે રસ્તા પર સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જ્યાં વિવિધ પ્રકારની દશામાની મૂર્તિઓ જોવા મળી રહી છે. હાલ માઈ ભક્તો દશામાની મૂર્તિઓનો ઓર્ડર આપી રહ્યા છે અને ખાસ કરીને તેમનો શણગાર પણ કરાવી રહ્યા છે.
છેલ્લા દસ-પંદર દિવસથી મહિલા કરીગરો રાત-દિવસ મૂર્તિઓને શણગારવાનું કામ કરી રહી છે. શણગારમાં સાડી, ચોટલો, બિંદી, માળા, ટીલડી, બંગડી તેમજ અન્ય શણગાર પણ સજવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ: દીપક જગતાપ, રાજપીપલા