સુરત: સુરતના મહિધરપુરા વિસ્તારમાં થયેલી 1 કરોડથી વધુની ચકચારી લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ લૂંટ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 64 લાખની રોકડ રકમની સાથે બે મોબાઈલ ઉપરાંત ગુનામાં વપરાયેલી મોપેડ જપ્ત કરી છે.
આ ચકચારી લૂંટની ઘટનામાં સામેલ બે આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. મળતી માહિતી મુજબ, શહેરના મહિધરપુરા વિસ્તારમાં કંસારા શેરી નજીક ગત 6 જાન્યુઆરીએ સોનાના વેપારીને તીક્ષ્ણ હથિયાર બતાવી મોપેડ પર આવેલા ત્રણ લૂંટારાઓ રોકડા 1 કરોડથી વધુ રૂપિયાની દિલધડક લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા વિવિધ ટીમ બનાવી હતી. ત્યારે ચકચારી લૂંટ કેસમાં પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસે હાલ મિતેષ સિંહ, રાજુભાઈ ઉર્ફે રાજ મરાઠે તેમજ સન્નીકુમાર કંઠારીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજીબાજુ શહેર પોલીસ કમિશનરે સુરત શહેરમાં સોનાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને આ પ્રકારે કોઈપણ પ્રકારની સુરક્ષા વિના આટલી મોટી રકમની હેરફેર ન કરવાની પોલીસ ચેતવણી આપી છે. આપને જણાવી દઈએ કે, આ કેસમાં પહેલા પોલીસે જામનગર ખાતેથી 54 લાખ 50 હજારની રોકડ રકમ કબજે કરી હતી.