જૂનાગઢ: ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી કૃષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સીઆર પાટીલે શ્રી કૃષ્ણ અને રુકમણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાજીના લગ્ન થયા હોવાનું વકતવ્ય આપ્યું હતું.
પાટીલના આ નિવેદનને લઈ ભારે વિવાદ સર્જાયો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તેમના પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે સીઆર પાટીલના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓને સૌપ્રથમ ગ્રંથોનો અભ્યાસ કરવો જરૂરી છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી વિશે આવી વાત કરી ભાજપ પ્રદેશ પ્રમુખે ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું છે. આ માટે તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ.
જ્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ આ અંગે ટ્વિટ મારફતે પાટીલ પર નિશાન સાધ્યું હતું તેમણે લખ્યું કે, જે લોકોને એ નથી ખબર કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના સંબંધો શું છે. તેઓ આજે હિંદુ ધર્મના ઠેકેદાર બની બેઠા છે. કોંગ્રેસ નેતાએ આ ટ્વીટ સાથે ભાજપ અધ્યક્ષનો વીડિયો પણ શેર કર્યો હતો.