રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. સરકાર કોરોનાને કાબૂમાં લેવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. સરકાર દ્વારા નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. લોકોને જાહેર સ્થળો પર એકઠા ન થવા અને મોટા પ્રસંગો ન યોજવા અપીલ કરવામાં આવી રહી છે.
ત્યારે અમરેલીના બાબરામાં દર બુધવારે મોટી બજાર ભરાય છે. આ બુધવારી બજારમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટતા હોય છે. અહી મોટી સંખ્યામાં લોકો એકઠા થતા કોવિડ ગાઈડલાઈનનું પાલન થતું નથી અને કોરોના સંક્રમણ ફેલાવાનો ભય રહે છે.
રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને બુધવારી બજાર બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવાયું કે, હાલમાં રાજ્યમાં જે પ્રમાણે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે આ પ્રકારની બુધવારી બજારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તો સંક્રમણ વધી શકે છે અને સ્થિતિ ભયાવહ બની શકે છે. ત્યારે આ બુધવારી બજાર બંધ કરવા અમે રજૂઆત કરી રહ્યા છીએ.
રાજ્યમાં સંક્રમણ દરમાં નોંધપાત્ર વધારો
રાજ્યમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. દૈનિક 7 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેર કરતા પણ આ સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. માત્ર 7 જ દિવસમાં કોરોના પોઝિટિવ રેટ 2.40 ટકાથી વધીને 8.31 ટકા પહોંચી ગયો છે.