ખેડા: સિક્કિમમાં ફરજ બજાવતા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના આર્મી જવાન હિતેશ પરમાર શહીદ થતા તેમનો પાર્થિવદેહ માદરેવતન લવાયો હતો. શહીદ જવાનો પાર્થિવદેહ માદરેવતન લવાતા અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
આખું ગામ મા ભોમની રક્ષા કાજે શહીદ થનાર હિતેશ પરમારને અશ્રુભીની આંખોએ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય સૈન્યના જવાનો પણ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ, ઘડિયા ગામના બુધાભાઈ પરમારનાં બે પુત્ર પૈકી મોટા પુત્ર હિતેશ પરમાર 2011ના વર્ષમાં આર્મીમાં ભરતી થયા હતા અને તેમની પ્રથમ નોકરીનું સ્થળ જલંધર પંજાબ ખાતે આવ્યું હતું.
ત્યારબાદ મા ભોમની રક્ષા કાજે સમગ્ર ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ તેઓ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. એક મહિના પહેલાં જ આર્મી જવાન હિતેશ પરમારની પશ્ચિમ બંગાળથી સિક્કિમ ખાતે બદલી થઈ હતી. હિતેશભાઈ પરમારે બે દિવસ પૂર્વે તેમની પત્ની સાજનબેન સાથે ફોન પર વાતચીત કરી હતી અને ઘરના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા.
હિતેશ પરમારના ભાઈ સતીશ પરમારને સોમવારની મોડી સાંજે આર્મીના અધિકારીનો ફોન આવ્યો હતો અને ફોનમાં તેમણે હિતેશ પરમારનું નિધન થયું છે એમ જણાવ્યું હતું. હિતેશભાઈનો પાર્થિવદેહ ગુરુવારે માદરે વતન ઘડિયા ગામે લાવવામાં આવતાં મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયાં હતાં. શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.