ગાંધીનગરથી આજે સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ રાજેશશંકર લખતર તાલુકા પંચાયત ભવનમાં પહોંચ્યા હતા. તાલુકા પંચાયત ભવનના સભાખંડમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, લખતર પ્રાંત અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા પશુપાલન અધિકારી, લખતર તાલુકા પશુપાલન વિભાગના અધિકારી સાથે તેઓએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી લમ્પી વાયરસ જલદીથી દૂર થાય કોઈપણ માલધારીના પશુ મૃત્યુ ન પામે તે માટેની ચર્ચાઓ કરી હતી.
લખતર તાલુકા પંચાયત ભવનમાંથી વીડિયો કોન્સફરન્સ કરી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાની પશુપાલન ટીમ સાથે વીડિયો કોન્સફરન્સ કરી લમ્પી વાયરસને કઈ રીતે નિયંત્રણ કરી સુરેન્દ્રનગર જિલ્લામાંથી સંપૂર્ણ નાશ કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી.
આ અંગે તેમના જણાવ્યા પ્રમાણે, બે પ્રકારની રણનીતિનો ઉપયોગ કરી રસીકરણ સાથે સારવાર કરવામાં આવશે. આગામી પાંચ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના ગામડાના માલધારીઓના પશુધનને રસીકરણ કરવા સાથે તમામની સારવાર કરાશે.
આ મિટિંગમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટ, ડીડીઓ પ્રકાશ મકવાણા, લખતર પ્રાંત અધિકારી વી.એન.સરવૈયા, લખતર મામલતદાર ઘનશ્યામસિંહ રાઠોડ, જિલ્લા નાયબ ઇન્ચાર્જ પશુ નિયામક પી.ટી.કણઝરિયા સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટઃ વિજય જોષી લખતર