પાટણ: રાજ્યમાં હાલ કડકડતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કડકડતી ઠંડીનો લાભ લઈ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. પાટણના રાધનપુરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યા છે.
જ્યાં રાધનપુરમાં આવેલી એક સોસાયટીમાં ચોર ટોળકી ત્રાટકી હતી અને બે મકાનોમાંથી રોકડ અને ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં પાંચ શખ્સોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જોવા મળે છે. મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલી શાંતિકુંજ સોસાયટીના બે મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રિના સમયે ઘર માલિક બહાર ગયા હોવાથી ચોર ટોળકી સોસાયટીમાં ત્રાટકી હતી અને મકાનના તાળા તોડી ઘરમાં રહેલ દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે માહિતી મળતા જ મકાન માલિક દ્વારા રાધનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી, રાધનપુર પોલીસ સ્ટેશના પીઆઈ જીઆર રબારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.