પૂર્વ ભારતીય ક્રિકેટર નમન ઓઝાના પિતા વીકે ઓઝાની સોમવારે મુલતાઈ પોલીસે ધરપકડ કરી. નમન ઓઝાના પિતા પર રૂ.1.25 કરોડની ઉચાપતનો આરોપ છે. મુલતાઇ પોલીસે સોમવારે વીકે ઓઝાને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે તેમને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા. આ દરમિયાન નમન ઓઝા પણ પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તેમણે તેમના પિતાને જામીન અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જામીન ન મળ્યા.
હકીકતમાં, બેંક ઓફ મહારાષ્ટ્રની જૌલખેડા શાખામાં 2013માં લગભગ સવા કરોડ રુપિયાના ઉચાપતનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં 2014માં તત્કાલિન મેનેજર રહેલા નમન ઓઝાના પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમની સામે છેતરપિંડી સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
2014માં કેસ નોંધાયા બાદથી વીકે ઓઝા ફરાર હતા. પોલીસ છેલ્લા આઠ વર્ષથી તેમને શોધી રહી હતી. આ કેસમાં સામેલ અન્ય આરોપીઓ સામે કલમ 409, 420, 467, 468, 471, 120B, 34 અને IT એક્ટની કલમ 65,66 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે બાકીના આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. પોલીસે સોમવારે વીકે ઓઝાની પણ ધરપકડ કરી.
પ્રખ્યાત ક્રિકેટર છે નમન ઓઝા
નમન ઓઝા ભારતના જાણીતા ક્રિકેટર છે. તેમણે પોતાની કારકિર્દીમાં એક ટેસ્ટ, એક ODI અને બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સિવાય નમન ઓઝાએ 113 આઈપીએલ મેચ પણ રમી છે. ટેસ્ટમાં નમનના નામે 56 રન, વનમ ડેમાં એક રન અને ટી-20માં 12 રન છે.
નમન ઓઝાએ IPLમાં 1554 રન બનાવ્યા છે. નમન ઓઝાનો જન્મ 20 જુલાઈ 1983 (ઉંમર 38)ના રોજ ઉજ્જૈનમાં થયો હતો. તેમણે 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.