વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર મોતીવરસે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેમણે તેમનું રાજીનામું ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પ્રમુખને મોકલી આપ્યું છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખને મોકલવામાં આવેલા રાજીનામામાં લખવામાં આવ્યું છે કે, હું દેવેન્દ્ર ધનજીભાઈ મોતીવરસ મારા વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખના હોદ્દા ઉપરથી રાજીનામુ આપું છું તે છતાં જે કઈ મારા બીજા કોઈ પણ હોદ્દા પર રહેલા કોંગ્રેસ પક્ષમાં તે બધા હોદ્દા પરથી હું રાજીનામું આપું છું.’
આ મામલે દેવેન્દ્ર મોતીવરસે એક વીડિયો જારી કરીને રાજીનામા પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ કોગ્રેસને સમય ન આપી શકતા હોવાને કારણે તેમણે રાજીનામું આપ્યું છે.
આપને જણાવી દઈએ કે, ગત નગરપાલિકાની ચૂંટણી પહેલા દેવેન્દ્ર મોતીવરસે ભાજપને બાય બાય કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગી ઘારાસભ્ય વિમલ ચુડાસમાએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા.
ભાજપને બાય બાય કરવા અંગે દેવેન્દ્ર મોતીવરસે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મુખ્ય બે કારણોને લઇ નારાજગી હોવાથી ભાજપ છોડી છે. જેમાં એક કારણ ઘણા વર્ષોથી ખારવા સમાજ ભાજપને તન-મન-ધનથી સમર્થન આપી રહ્યો છે. ભાજપની કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારો પાસે અમારા સમાજે જે અપેક્ષા રાખેલ તે પરીપુર્ણ થઇ રહેલ ન હોવાથી અને લાંબા સમયથી ભાજપ પાલીકામાં સતા સ્થાને હોવા છતાં શહેરમાં આજની તારીખે પ્રાથમિક સુવિધા પરીપૂર્ણ કરાતી ન હોવાથી અમોને નારાજગી હતી.’