વેરાવળઃ પાકિસ્તાનની જેલમાં બંધ 20 ભારતીય માછીમારોને મુક્ત કરાતા આજે માછીમારો માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા. વર્ષોથી પરિવારથી દૂર રહેલા પોતાના સ્વજનોને જોતા જ પરિવારજનો તેઓને ભેંટીને ચોધાર આસુંએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને સૌકોઈની આંખો ભીની થઈ હતી.
જેલમાં બંધ ભારતીય માછીમારો પૈકીના 20 માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામા આવ્યા હતા. આ તમામ માછીમારોની વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો આજે માદરે વતન વેરાવળ પરત પહોંચ્યા હતા.
પાકિસ્તાની મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતું. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જોઈ રહ્યા હતા. આજે 20 માછીમારો વેરાવળ પરત ફરતા જ તેમના પરિવારજનો પોતાના સ્વજનને ભેંટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
ફિશરીઝ વિભાગના જણાવ્યા પ્રમાણે, હજુ 557 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. તેઓને પણ મુક્ત કરવા રજૂઆત કરાઈ છે. ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. ત્યારે હાલ 557 જેટલાં ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં છે.