logo

ખેલ મહાકુંભ ૨૦૧૯: હિંમતનગર ખાતે યોજાઈ રાજ્યકક્ષાની અંડર-૧૭ મહિલા ફૂટબોલ સ્પર્ધા

તા-15-10-2019 સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ખેલ મહાકુંભ ૨૦૧૯ રાજ્યકક્ષાની બહેનો માટેની અંડર-૧૭ ફુટબોલ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઈ હતી. જેમાં પાટણ જિલ્લાની ટીમ વિજેતા બની હતી. 

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત સ્વામી વિવેકાનંદ જન શક્તિ સ્ટેડીયમ ખાતે તા.૧૦મી ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબર દરમ્યાન  એસ.એ.જી.હિંમતનગર અને પાટણની ટીમ વચ્ચે  ફાઈનલ મેચ યોજાઈ હતી જેમાં બે ગોલ કરી પાટણની ટીમે વિજય મેળવ્યો હતો.

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,  સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્રારા યોજાયેલી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અંતર ઠાકોરે પોતાની ટીમને વિજેતા બનાવી પાટણને ગૌરવ અપાવ્યુ હતું. 

આ સ્પર્ધામાં  અંતર ઠાકોર અને અલ્કા ઠાકોરે પાટણ માટે એક એક ગોલ ફટકાર્યા હતા. આ સ્પર્ધામાં માત્ર બે ગોલ પાટણની ટીમ દ્રારા થયા હતા. જેથી ટીમ પાટણને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા પાટણ અને દ્રિતિય વિજેતા એસ.એ.જી. હિંમતનગરની ટીમ હતી. આ ટીમમોને મહાનુભવોના હસ્તે ટ્રોફી એનાત કરવામાં આવી અને ખેલાડીઓને મેડ્લ એનાયત કરવામાં આવ્યા હતા. 

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ અને રમતગમત વિભાગ અગ્ર સચિવ સી.વી.સોમે જણાવ્યું હતું કે રાજ્યના ખેલાડીઓનું રમત સામર્થ્ય બહાર આવે તથા યુવા ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું  કૌવત બતવી શકે તે માટે છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યમાં ખેલ મહાકુંભ યોજાય છે. તેના સારા પરિણામો પણ મળ્યા છે. તેમણે મહિલા ફુટબોલ ખેલાડીઓને ભવિષ્યમાં ભારતનુ નામ ફુટબોલની રમતમાં સુવર્ણ અક્ષરે લખાય તે માટે સખ્ત પરિશ્રમ અને પ્રદર્શન કરવા પ્રેરણા આપી  હતી. 

આ દિકરીઓનુ પ્રદર્શન જોઇ ભવિષ્યમાં ફુટબોલ વર્લ્ડ કપ ભારતના નામે થશે તેવી આશા વ્યક્ત  કરતા તેઓને ઉમેર્યું કે ખેલ મહાકુંભ થકી આજે સારી સારી પ્રતિભાશાળી ખેલાડીઓ આપણા દેશને મળી રહી છે જેના પગલે દેશનુ નામ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભારતના ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક રમતોમાં સુવર્ણચંદ્રક જીતી દેશનુ નામ રોશન કરી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. 
     
આ સ્પર્ધામાં મહિલા ફુટબોલ ઇન્ડિયા ટીમના ખેલાડી કુમારી અંજુ તમંગે વિજેતા ટીમની ખેલાડીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે હાર અને જીત એ રમતના પાસા છે પરંતુ હાર આપણને ઘણુ બધુ શીખવે છે. સાથે સાથે જીતને પચાવતા પણ શીખવું પડે. જે પોતાની હારના કારણોની સમીક્ષા કરી શકે અને હાર પચાવી શકે તે જ સાચો ખેલાડી બની શકે. 

આ પ્રસંગે પ્રોજેક્ટ મેનેજર ફિફા અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપ ઇન્ડિયા ૨૦૨૦ના મનદિપ સાહરન, મહિલા ફૂટબોલ ખેલાડી સંજુ ઇન્ડિયન, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ ડી.ડી. કાપડીયા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર કમિશ્નર નયન થોરાટ તેમજ  સચિવ સ્ટેટ સ્પોર્ટ્સ કાઉન્સિલ  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર કમિશ્નર બલદેવભાઇ દેસાઇ, જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન ઠાકોર, મુખ્ય કોચ પરેશભાઇ પટેલ, ગુજરાત રાજય ફુટબોલ એસોશિએસનના ગુલાબસિંહ ચૌહાણ તથા સાબરકાંઠા જિલ્લાના સિનિયર કોચ પુનમબેન ફુમાકીયા  તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહ્યા હતા.  

Top