logo

જામનગરઃ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી.જી હોસ્પિટલની લીધી મુલાકાત

તા-12-10-2019 જામનગર શહેર અને જિલ્લો હાલ ડેન્ગ્યુ રોગચાળાનું ઘર બની ગયો હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. આરોગ્ય વિભાગની સતત કામગીરી છતાં પણ આ વર્ષ થયેલ પુષ્કળ વરસાદના કારણે જામનગરમાં ડેન્ગ્યુ રોગના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાની પરિસ્થિતિ પૂર્વવત કરવા, ડેન્ગ્યુના રોગચાળાને નાથવા માટે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અગાઉ જી.જી.હોસ્પિટલના ડોકટર્સ તેમજ અન્ય નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે અન્વયે વધુ સ્ટાફની જરૂરિયાત અને અન્ય નાણાકીય બાબતોની માંગ પણ હતી.

આ માંગણી અંગે રાજયમંત્રી દ્વારા ગાંધીનગર રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે સરકારશ્રી દ્વારા જામનગરને ડેન્ગ્યુ-મુક્ત કરવા માટે જી.જી. હોસ્પિટલ ખાતે વધુ ૫૭ મેલ ફિલ્ડ વર્કર, ૩ મેલ સુપરવાઇઝર,  આણંદથી ડો.આલોક મેલેરિયા ઓફિસરને જામનગર ખાતે, લાલપુરથી ડો.કુડેચા તાલુકા હેલ્થ ઓફિસરને જામનગર ખાતે, ૧ સ્ટેટ બાયોલોજિસ્ટ અને મેલેરિયા ઓફિસર તેમજ નાયબ નિયામકશ્રી એપેડેમીક ડો. દિનકર રાવલ ને માર્ગદર્શન આપવામાં માટે જામનગર નિયુક્તિ કરવામાં આવી છે. 

તેમજ રાજ્ય સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ તાપી અને નવસારીના કુલ ૨૪ એમબીબીએસ મેડિકલ ઓફિસરને હાલ જામનગર અને દ્વારકા જિલ્લામાં ફાળવેલ છે. જે આવતીકાલ સવારથી જ ફરજ પર જોડાઇ જશે. તદુપરાંત સરકાર દ્વારા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ નંદિની  બાહરીને આરોગ્ય અંગે રૂપિયા ૫૦ લાખની ગ્રાન્ટ આપી અને વાપરવાની સત્તા આપી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા જામનગરની પરિસ્થિતિ ઉપર સતત મોનિટરિંગ કરવા અને માર્ગદર્શન આપવા માટે સિનિયર પબ્લિક હેલ્થ એક્સપર્ટ નાયબ નિયામક અપેડેમીકને જવાબદારી સોંપવામાં આવી અને તેઓને જામનગર મહાનગરપાલિકા ખાતે હાલ ફરજ પર મૂકવામાં આવ્યાં છે, આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા મેનપાવર, દવાઓ, ગ્રાન્ટ વગેરે માટે તેમજ રોગચાળાને નિયંત્રિત કરવા માટે અધિક નિયામક આરોગ્યને મોનીટરીંગ કરવાની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

હાલમાં પણ જામનગર ખાતે સતત વધી રહેલા ડેન્ગ્યુના કેસને ધ્યાને આજે રાજ્યમંત્રીએ જી.જી.હોસ્પિટલ ડેન્ગ્યુના દર્દીઓની ફરી મુલાકાત લઇ ડીન, મેડિકલ ઓફિસર તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓને સતત મોનીટરીંગ અને ડેન્ગ્યુને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા નિયુક્ત નાયબ નિયામક સાથે સંપર્ક  સાધી ડેન્ગ્યુ નિયંત્રણની કામગીરીને તત્કાળ પૂરતા વેગે શરૂ કરી દેવા જણાવ્યું હતું.

આ મુલાકાતમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા અને વિમલભાઈ કગથરા તેમજ જી.જી.હોસ્પિટલના ડીન નંદીની દેસાઈ, ચીફ મેડિકલ ઓફિસર ડો.ચેટરજી તેમજ અન્ય ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા.

Top