logo

૧૬ જેટલા ઉદ્યોગસાહસિકોનું મહેસૂલમંત્રી કૌશિકભાઇ પટેલના હસ્તે કરાયું સન્માન

તા-11-10-2019 અમદાવાદમાં ઝી બિઝનેસ ન્યૂઝ ચેનલ દ્વારા ‘ડેર ટુ ડ્રીમ’ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતના ડીએનએમાં વેપાર છે. ગુજરાત પોતાના વેપાર અને વેપારીઓથી દુનિયાભરમાં જાણીતું બન્યું છે. કહેવાય છે દેશના કોઇપણ ખુણામાં એક ગુજરાતી રહેતો હોય ત્યાં એ ગુજરાતી આખું ગુજરાત ઊભું કરી દે છે. ગુજરાતના ઘણા ઉદ્યોગપતિઓએ વેપાર ક્ષેત્રમાં ખુબ પ્રગતિ કરી પોતાનું નામ વિશ્વ સ્તર પર ઊભું કર્યું છે. ગુજરાતના આ ઉદ્યોગપતિઓમાંથી બીજાને પણ ઘણી પ્રેરણાઓ મળી છે. 

‘ડેર ટુ ડ્રીમ’ એવોર્ડને લઇને મહેસૂલમંત્રીએ જણાવ્યું કે, આ અવોર્ડ થકી એવી પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી છે, જેમણે સતત મહેનત, પરિશ્રમ અને પોતાની ગ્રોથ સ્ટોરીથી સતત લોકોને પ્રભાવિત કર્યા છે અને બિઝનેસ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

મહેસૂલમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ઉદ્યોગસાહસિકો અને વેપાર સાહસિકો કારણે ગુજરાતનું નામ આજે વિશ્વભરમાં જાણિતું બન્યું છે. આખા દેશમાં ગુજરાતની પ્રતિભાએ જે નામના મેળવી છે અને દેશ માટે પોતાનું જે યોગાદાન આપ્યું છે, તેનું ફળ આજે દેશના તમામ લોકોને મળી રહ્યું છે. વિવિધ ક્ષેત્રમાં આપેલા પોતાના યોગદાન બદલ ૧૬ જેટલા ઉદ્યોગસાહસિકોને મહેસૂલમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચેમ્બર્સ ઓફ કોર્મસના પ્રેસિડન્ટ, મીડિયા જગતની હસ્તીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

Top