logo

જામનગર જિલ્લામાં રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝ યોજાઇ

જામનગર ખાતે રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝ યોજાઇ હતી. જે રાજ્યોના અન્ય પાંચ જિલ્લાઓ સાથે થઈ દેશની સૌથી મોટી રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝનો ભાગ હતી. આ એક્સરસાઇઝમાં ભૂકંપ સમયે કેમિકલ હોનારતથી માનવજાતને બચાવવા તેમજ માલમિલકતને થતું નુકસાન ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ગુજરાત ભૂકંપના સેન્સેટીવ ઝોનમાં આવે છે જ્યારે પણ ભૂકંપની સ્થિતિ સર્જાય તો તેના કારણે જે તે વિસ્તારમાં આવેલી કોઈ કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ, ગેસના ગળતર થાય તો તેનાથી કેવી રીતે જાનહાનિ અટકાવીને, ઓછામાં ઓછું નુકસાન થાય તેના પર આ મોકડ્રીલમાં ભાર મૂકવામાં આવ્યો હતો. 

૯:૦૦ વાગ્યે જામનગરમાં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાનો મેસેજ આવતા, સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું હતું જે મોકડ્રીલનો ભાગ હતો. આ ડ્રીલમાં જામનગરના પાંચ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો જેમાં સિક્કા ખાતેનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ,મોટી ખાવડીનું જીએસએફસી લિમિટેડ, જીએઆઇએલ, સીંગજ ચાર રસ્તા ખાતે બીઓઆરએલ અને ઠેબા ગામના આઇઓસીએલ ખાતે એકસરસાઇઝના મુખ્ય મથક હતા. આ મોકડ્રીલમાં વહીવટી તંત્રને અનુભવ થયો હતો કે ખરેખર આપત્તિ સમયે વધુ જલદી કેવી રીતે લોકોને મદદરૂપ થઈ શકાય. 

ઓદ્યોગિક વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઝેરી ગેસ, રેડિયેશન, કેમિકલ બ્લાસ્ટ,પાઇપલાઇન લીકેજ, બોઇલર ડેમેજ જેવી ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પણ નુકસાન થતુ હોય છે જે ના થાય તે માટેની દરેક પ્રવૃત્તિ  અહીં કરવામાં આવી હતી, જેમાં આગ લાગવી, ગેસ ગળતરથી થતી શ્વાચ્છોશ્વાસમાં જવાથી થતી વિપરિત અસરો વગેરેને ધ્યાને લઇ મોકડ્રીલમાં ફાયર વિભાગ, આરોગ્યની ટીમ વગેરેની પણ મહત્વની કામગીરી હતી.

આ મોકડ્રીલને સફળ બનાવવા કલેકટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, મદદનીશ કલેકટર યોગેશ ચૌધરી, ડીવાયએસપી સૈયદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.યુ.મકવા,લશ્કરી ત્રણેય પાંખના અધિકારીઓ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંલગ્ન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Top