વડોદરાઃ બેંક ઓફ બરોડા શાખામાં બે કર્મચારીઓ વચ્ચે કામગીરી બાબતે થયેલી ઉગ્ર બોલાચાલીના પગલે પેન્શન, પાસબુકમાં એન્ટ્રી સહિત વિવિધ કામગીરી માટે કતારોમાં ઉભેલા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
બે કર્મચારીઓ વચ્ચે થયેલા ઝઘડાનો ગ્રાહકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, નવા વર્ષના પ્રથમ દિવસે શહેરના વાડી વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંક બરોડા શાખામાં બેંક ખુલતાની સાથે જ ગ્રાહકોની લાંબી કતારો લાગી હતી. ગ્રાહકોની કતારો બેંકની બહાર નીકળી ગઇ હતી.
પેન્શન, પાસબુકમાં એન્ટ્રી, નાણાં ભરવા અથવા ઉપાડવા સહિત વિવિધ કામગીરી માટે આવી પહોંચેલા ગ્રાહકો બેંકની કામગીરી શરૂ થાય તેની રાહ જોઇને ઉભા હતા. અને પોતાનું કામ વહેલીતકે પૂરું થાય અને નોકરી-ધંધા માટે જાય તેવું વિચારીને ઉભા હતા. જોકે, બેંકનું કામકાજ શરૂ થાય ત્યાં જ બેંકમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ વચ્ચે કામ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં, લાંબી કતારોમાં ઉભેલા ગ્રાહકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
બે કર્મચારીઓ વચ્ચે એટલી હદે ઉગ્ર બોલાચાલી થઇ હતી કે, કર્મચારીઓ ગાળાગાળી ઉપર ઉતરી આવ્યા હતા. બે કર્મચારીઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીને પગલે અન્ય કર્મચારીઓ પણ પોતાના કામ પડતાં મુકી બંને કર્મચારીઓને સમજાવવા માટે દોડી ગયા હતા. બેંકના બંને કર્મચારીઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી એકબીજાને અપશબ્દો બોલતા વિવિધ કામ માટે આવેલા ગ્રાહકો પણ બે કર્મચારીઓનો ઝઘડો જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા.
બે કર્મચારીઓ વચ્ચે થયેલા ઝઘડાના પગલે બેંકનું કામ કાજ ઠપ થઇ ગયું હતું. પરિણામે ગ્રાહકોને પણ વધુ સમય ઉભા રહેવાની ફરજ પડી હતી. કેટલાંક ગ્રાહકો તો બે કર્મચારીઓનો ઝઘડો થતાં કામમાં મોડું થશે તેવું અનુમાન લગાવી પોતાના કામ-ધંધે નીકળી ગયા હતા.