વડોદરા નજીક આવેલા પોર ગામેથી જાનૈયાઓને લઈને નીકળેલી પિકઅપ વાનની ટ્રોલી પોર જીઆઇડીસીમાં પલટી જતાં 20 જાનૈયા ઈજાગ્રસ્ત થયા છે. જેમાં કોઇને નાક, કોઇને માથામાં, કોઇને મોઢા પર તો કોઇને હાથ-પગમાં ઇજાઓ પહોચી છે. ઇજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે.
વડોદરા નજીકના પોર ગામમાં રહેતા યુવકના રમણગામડી ગામમાં રહેતી યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા. યુવકના લગ્ન હોવાથી પોરથી અલગ-અલગ ગાડીઓમાં જાન રમણગામડી ગામમાં જવા રવાના થઈ હતી. એ વાહનો પૈકીની પિકઅપ ગાડી પોર જીઆઇડીસીમાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પિકઅપની પાછળની ટ્રોલી છૂટી પડી જતાં તેમાં સવાર જાનૈયાઓ સામાન ઠલવાતો હોય એ રીતે રોડ ઉપર પડ્યા હતા.
આ અકસ્માત બાદ રસ્તા પર લોકના ટોળે ટાળા જામ્યાં હતાં અને સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પોર સામૂહિક કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા. જે પૈકીના ત્રણ લોકોની હાલત નાજુક હોવાથી તેમને વડોદરાના સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉત્સાભેર જાનમાં જવા ઘરેથી નીકળેલા જાનૈયાઓને લગ્નમંડપમાં જવાના બદલે હોસ્પિટલમાં જવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે વરણામા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.