વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે અને દરરોજ 12 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંકટ વચ્ચે વડોદરાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા આઇ.જી રેન્જના પીઆઇનું નિધન થયું છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા આઇ.જી રેન્જના પીઆઇ આર.આર. રાઠવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને શહેરની સયાજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ તેઓનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના નિધનને પગલે પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, શહેર અને જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 47,633 પર પહોંચી છે. તો અત્યાર સુધીમાં કુલ 412 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નીપજ્યાં છે.
આંકડા અનુસાર, વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 38,339 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો વડોદરામાં હાલ 8882 એક્ટિવ કેસ છે. જે પૈકી 589 દર્દી ઓક્સિજન ઉપર અને 372 દર્દી વેન્ટિલેટર ઉપર છે તથા 7921 દર્દીની હાલત સ્થિર છે.