રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવોમાં વધારો થયો છે. આ વચ્ચે ફરી એક દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરામાં 17 વર્ષીય વિદ્યાર્થીએ પાંચમાં માળેથી કૂદી જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઈટ્સનાં D બ્લોક બિલ્ડીંગનાં પાંચમાં માળેથી 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. આ પહેલા તેણે પોતાના મિત્રોને મળવા બોલાવ્યા હતા. પરંતુ મિત્રો પહોંચે તે પહેલા કિશોરે મોતને વ્હાલું કર્યું હતું. સાંજે 7 વાગ્યાના સુમારે પાર્કિંગમાં પડવાનો અવાજ આવતા જ બિલ્ડિંગના રહીશો એકઠા થઈ ગયા હતા.
આ બનાવની જાણ વિદ્યાર્થીના પરિવારને કરાતા તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દીકરાના મૃત્યુના કારણે હાલ પરિવારમાં શોકનો માહોલ છે. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરાતા તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર હતો અને તેનો ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો અને બપોર બાદ તે ટ્યુસન ક્લાસમાં પણ જતો હતો. છેલ્લે 6 વાગ્યા સુધી તેને મિત્રો સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી હતી.