દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સતત બળવાખોર વલણ સામે આવી રહ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાય ‘પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ’માં સામેલ હોવાના કારણે તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દેવામાં આવ્યા છે.
આજે જોડાઈ શકે છે ભાજપમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, કિશોર ઉપાધ્યાય આજે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે છે. જણાવી દઈએ કે, ભાજપ સાથે તેમની નિકટતાના સમાચાર વચ્ચે કોંગ્રેસે અગાઉ કિશોર ઉપાધ્યાય પર અનુશાસનાત્મક કાર્યવાહી કરી હતી, જેમને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવે કિશોર ઉપાધ્યાયને તમામ પદો પરથી હટાવવાનો આદેશ જારી કર્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યના લોકો પરિવર્તન માટે તલપાપડ છે અને ભાજપ સરકારને ઉથલાવવાની રાહ જોઈ રહ્યા છે. જ્યાં કુશાસન અને ભાજપની નેતાગીરીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, આપણામાંથી દરેકે પડકારનો સામનો કરવો જોઈએ અને ઉત્તરાખંડની દેવભૂમિ અને તેના લોકોની સેવા કરવી જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે, કિશોર ઉપાધ્યાયને અંગત રીતે અનેક ચેતવણીઓ આપવા છતાં પણ આ પક્ષ વિરોધી પ્રવૃતિઓમાં સામેલ થવાનું તેમનું આચરણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. જેના કારણે કિશોર ઉપાધ્યાયને પક્ષના તમામ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે.
સતત વધી રહ્યો છે કોંગ્રેસની અંદર વિવાદ
ઉત્તરાખંડ કોંગ્રેસની અંદર વિવાદ સતત વધી રહ્યો છે અને તેના કારણે પાર્ટીએ ઘણા ઉમેદવારોની સીટો પણ બદલવી પડી છે, જેમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતનું નામ પણ સામેલ છે. કોંગ્રેસે બુધવારે 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં હરીશ રાવતના વિધાનસભા ક્ષેત્રને બદલવામાં આવ્યું હતું. હરીશ રાવતને પહેલા નૈનીતાલ જિલ્લાની રામનગર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ નૈનીતાલ જિલ્લાની લાલ કુઆં બેઠક પરથી ચૂંટણી લડશે.
14 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડમાં મતદાન
તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે ઉત્તરાખંડમાં વિધાનસભાની તમામ 70 બેઠકો પર 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. મતગણતરી 10 માર્ચે થશે.