અષાઢી બીજના દિવસે સવારથી જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યા બાદ જુદા-જુદા સમયે મેઘરાજાએ પધરામણી કરી ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસાવ્યો હતો. જેના પગલે લોકો અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.
જૂનાગઢમાં અષાઢી બીજના દિવસે સવારથી લઇને સાંજ સુધીમાં છૂટોછવાયો 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અત્યાર સુધીની વરસાદની સિઝનનો કુલ વરસાદ 6 ઇંચ થયો છે. ટકાવારી પ્રમાણે જોતા 15.33 ટકા વરસાદ થયો છે. સવારે 8 થી 10માં 1 મિમિ, 12થી 2માં 2 મિમિ, બપોરે 2થી 4 સુધીમાં 17 મિમિ, 4થી સાંજના 6 સુધીમાં 15 મિમિ અને સાંજના 6થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં 1 મિમિ મળી એક જ દિવસમાં કુલ 36 મિમિ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ માળીયા હાટીના તેમજ માંગરોળ પંથકમાં મોડી રાતથી વરસાદી માહોલ યથાવત છે. મોડી રાતથી ચોરવાડ, ઝુજારપર, વિષણવેલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. માળીયાના ઝડકા, ભડુરી, ગળોદર, રામવાવ પાટીયા, પાણીધ્રા પાટીયા સહિત વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
ભેસાણ પંથકમાં પણ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. અષાઢી બીજના દિવસે ભેસાણ તાલુકામાં 30થી 40 ટકા ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થયો હતો. ભેસાણના મોટા ભાગના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે.