વડોદરાના ફાજલપુર ગામ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. હાલ પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર બાદ હવે વડોદરાથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ફાજલપુર ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોના ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યાં છે.
આ અકસ્માતને પગલે રોડ ઉપર પણ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકના પણ કૂચેકૂચા બોલી ગયા હતા. સાથેજ બંને યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેમના મૃત્યુ નીપજ્યા હતા. એટલે કે આ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ બંને યુવકોના મૃત્યુ થયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને મૃતકો એક જ પરિવારના અને રગડી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના બે યુવકોના મૃત્યુ થતાં પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે છોટાઉદેપુરના વનાર જામલા રોડ પર પણ અકસ્માત સર્જાયો હતો. જેમા પથ્થર ભરેલી ટ્રક પલટી મારી જતા 2 લોકો દટાઈ ગયા હતા. જેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.