ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ભગવાનનો ઉલ્લેખ કરી આપેલા નિવેદનને લઈ તેની મુશ્કેલીઓ વધી છે. આ મામલે ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી વિરૂદ્ધ મધ્યપ્રદેશના ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. અભિનેત્રી પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.
તમને જણાવી દઈએ કે શ્વેતા તેની આગામી વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન ભોપાલ પહોંચી હતી. આ દરમિયાન શ્વેતાએ મજાકમાં આપેલા નિવેદનને લઈ વિવાદ શરૂ થયો છે. આ નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ તપાસના આદેશ આપ્યા છે.
શ્વેતાની મજાકમાં કહેલો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ શ્વેતાના નિવેદનની નિંદા કરી છે. તેમણે અભિનેત્રી સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.
મીડિયા સામે મજાક કરતી વખતે શ્વેતાએ સૌરભ રાજ જૈનને ભગવાન કહ્યા હતા. હકિકતમાં, સૌરભ રાજ જૈન ધાર્કિ પાત્રો ભજવવા માટે જાણીતા છે. જે આગામી વેબ સિરીઝમાં બ્રા ફિટરની ભૂમિકા નિભાવી રહ્યા છે.
શ્વેતા તિવારીની આ વેબ સિરીઝમાં તેની સાથે રોહિત રોય, દિગંગના સૂર્યવંશી, સૌરભ રાજ જૈન, શ્વેતા તિવારી, કંવલજીત જોવા મળશે. સિરીઝનું શૂટિંગ ભોપાલમાં થશે. પરંતુ શૂટિંગ શરૂ થાય તે પહેલા જ તેના પર ખૂબ જ હોબાળો મચી ગયો છે. આ સમગ્ર હંગામા પર શ્વેતા તિવારીની તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.