આપણા બધાના ઘરમાં વર્ષોથી કાળા ચણાનું સેવન કરવામાં આવે છે. પલાળેલા કાળા ચણાને સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, જો રોજ સવારે નાસ્તામાં એક મુઠ્ઠી કાળા ચણાનું સેવન કરવામાં આવે તો તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેનું સેવન કરી શકાય છે. જોકે, તેની માત્રાને ધ્યાનમાં રાખવી જરૂરી છે, તેનું વધુ સેવન કરવાથી પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે પલાળેલા કાળા ચણામાં ઘણા પ્રકારના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ચાલો જાણીએ દરરોજ સવારે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કેવા ફાયદા થઈ શકે છે.
પ્રોટીન અને આયર્નથી ભરપૂર
શાકાહારી લોકો માટે ખોરાક દ્વારા પ્રોટીન મેળવવું એ એક મોટો પડકાર છે, આવા લોકો માટે પલાળેલા કાળા ચણાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પલાળેલા કાળા ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે, આ સિવાય એનિમિયાથી પીડિત દર્દીએ તો કાળા ચણાને રોજીંદા આહારમાં સામેલ કરવા જ જોઈએ. તે આયર્નથી ભરપૂર છે અને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર સુધારવામાં મદદ કરે છે.
પાચનતંત્રને બનાવે છે મજબૂત
પલાળેલા કાળા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે તમારા શરીરમાંથી તમામ હાનિકારક પદાર્થોને બહાર કાઢવાની સાથે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિયમિતપણે કાળા ચણાનું સેવન કરવાથી કબજિયાત અને અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓ દૂર રહે છે.
વજન ઘટાડવામાં છે મદદરૂપ
હેલ્થ એક્સપર્ટના મતે જે લોકોનું વજન વધારે છે અને વજન ઓછું કરવા માંગે છે, તેમના માટે પલાળેલા કાળા ચણા ખાવા એક સારો વિકલ્પ બની શકે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર, કાળા ચણામાં ફાઇબર પણ વધુ માત્રામાં હોય છે જેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આના કારણે તમને બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાવાની ઈચ્છા થતી નથી અને વજન સરળતાથી ઘટાડી શકાય છે.
કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે
કાળા ચણામાં દ્રાવ્ય ફાયબર હોય છે જે પિત્ત એસિડને નિયંત્રિત કરવાની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. કાળા ચણામાં હાજર ડાઈટ્રી ફાઈબર તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલનું સ્તર જાળવી રાખવાથી હૃદયની બીમારીઓ થવાનું જોખમ પણ ઘટે છે.