તમાકુ ઉત્પાદનો (Tobacco Products) ના સેવનને કારણે લોકો કેન્સર જેવી જીવલેણ બીમારીના શિકાર બની રહયા છે, ત્યારે તમાકુ ઉત્પાદનો સામે જાગૃતિ લાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. 1 ડિસેમ્બર, 2022 ના પછી દેશમાં ઉત્પાદિત, આયાત અથવા પેક કરવામાં આવેલ તમાકુ ઉત્પાદનો પર નવી ચેતવણી લખેલી હશે.
તમાકુ ઉત્પાદનોના પેક પર નવી ચેતવણી લખેલી હશે કે ‘તમાકુ પીડાદાયક મૃત્યુનું કારણ બને છે’. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 1 ડિસેમ્બર 2022 થી તમાકુમાંથી બનેલા ઉત્પાદનોના પેક પર એક નવી તસવીર પ્રકાશિત કરવા માટે સૂચના જારી કરી છે. આ નિયમ એક વર્ષ માટે માન્ય રહેશે.
સૂચનામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવતા વર્ષ એટલે કે 1 ડિસેમ્બર, 2023 કે એ પછી પછી ઉત્પાદિત અથવા આયાત કરાયેલ અથવા પેકેજ્ડ તમાકુ ઉત્પાદનો પર સ્વાસ્થ્ય ચેતવણી સાથેની તસ્વીર પ્રદર્શિત કરવામાં આવશે. તેના પર ચેતવણી તરીકે લખવામાં આવશે, ‘તમાકુનો ઉપયોગ કરનાર ઓછી ઉંમરમાં મૃત્યુ પામે છે.’
મંત્રાલયે 21 જુલાઈના રોજ સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (પેકેજિંગ અને લેબલિંગ) નિયમો, 2008માં સુધારો કર્યો છે. આ સુધારા અનુસાર, નવી સ્વાસ્થ્ય ચેતવણીઓને લઈને આ સૂચના જારી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (પેકેજિંગ અને લેબલિંગ) ત્રીજા સુધારા નિયમો, 2022 અંતર્ગતના સુધારેલા નિયમો 1 ડિસેમ્બર, 2022થી અમલમાં આવશે. આ સૂચના 19 ભાષાઓમાં આ વેબસાઇટ્સ http://www.mohfw.gov.in અને http://ntcp.nhp.gov.in પર ઉપલબ્ધ છે.
નિયમોના ઉલ્લંઘનને સજાપાત્ર ગુનો માનવામાં આવશે
સરકારે કહ્યું કે આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન સજાપાત્ર ગુનો હશે. આમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (જાહેરાત પર પ્રતિબંધ અને વેપાર અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણનું નિયમન) અધિનિયમ, 2003 ની કલમ 20માં કેદ અથવા દંડની જોગવાઈ છે.