આગામી દિવસોમાં ગુજરાતમાં પણ સત્તાવાર રીતે ચોમાસુ બેસી જશે. હાલ રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે.
મ્યુનિ.તંત્ર દ્વારા શહેરભરમાં વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રિ-મોન્સુન એક્શન પ્લાન હેઠળ ઘટાટોપ વૃક્ષોની ડાળીઓ તોડીને તેનું વજન ઓછું કરવામાં આવી રહ્યું છે. ચોમાસામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સ્થિતિમાં વૃક્ષો પડી ન જાય અને જાનમાલનું નુકશાન અટકે, ટ્રાફિકજામની સમસ્યા ન સર્જાય અને વૃક્ષોનું જતન થાય તે માટે બગીચા ખાતા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચોમાસામાં ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ પડયું હોય અને વાહનોનું નુકશાન થયું હોય તેમજ જાનહાનિ સર્જાઈ હોવાની ઘટના ભૂતકાળમાં શહેરમાં અનેક વિસ્તારોમાં બની ચૂકી છે. ત્યારે વર્ષો જુના તેમજ ઘટાટોપ હોય તેવા વૃક્ષો, ડાળીઓ ચારેબાજુ ફુલીફાલી હોય, સ્ટ્રીટલાઇટનો પ્રકાશ અવરોધાતો હોય અને જોખમી અવસ્થામાં હોય તેવા વૃક્ષોને ચોમાસામાં વરસાદ, વાવાઝોડામાં પડી જતા અટકાવવા માટે હાલમાં આ વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.