હવે ધોરણ 9થી 12માં પણ પ્રાકૃતિક ખેતીના નવા વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપી હતી.
જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, હવે રાજ્યમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરાયો છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે.
વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે. તે ઉપરાંત ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે, જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને આરોગ્ય સુધરશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ધોરણ 9માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવ્યો હતો. હવે ધોરણ 9 થી 12માં પણ પ્રાકૃતિક ખેતીના વિષયનો સમાવેશ આગામી દિવસોમાં કરી દેવાંમાં આવશે.