બોલીવુડ હોય કે હોલીવુડ કે પછી ટીવી સીરીયલનું શૂટિંગ ગુજરાતના વિવિધ સ્થળો શૂટિંગ માટે પસંદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર શહેર મનોરંજનની દુનિયામાં ખૂબ જ ઝડપથી ચમકી રહ્યું છે. હાલ હિન્દી, તમિલ, સાઉથ સહિતની ફિલ્મોના ડાયરેક્ટરો આ સ્થાનને પોતાની ફિલ્મોના શૂટિંગ માટે પસંદ કરી રહ્યા છે.
તેમજ એડવર્ટાઈઝ માટે પણ ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર શહેર હવે વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. હાલમાં સિદ્ધપુરમાં ‘હેપી બર્થડે સીતા’ તમિલ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં વ્હોરવાડ વિસ્તારમાં શૂટિંગ માટે અલગ અલગ સેટ લગાવવામાં આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સિદ્ધપુરમાં અઘારીયા મહોલ્લામાં ઇ.સ. ૧૯૦૩ માં બંધાયેલા મકાનો કલાત્મક કોતરણીના બેનમૂન વારસો છે આધુનિકતાની સાથે યંત્રવિદ્યાની બોલબાલા અને કાષ્ટના ઉપયોગ સામેની પર્યાવરણીય જાગૃતિને કારણે ગુજરાતી કાષ્ટકલા લુપ્ત થતી જાય છે ત્યારે સિદ્ધપુરના આંગણે પથરાયેલો આ ખજાનો નિહાળવા દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ અહીંની મુલાકાત લઈ ભવ્ય ભૂતકાળની યાદ આંખોમાં સમાવી જાય છે ત્યારે આ મકાનો ફિલ્મોના ડાયટેક્ટર માટે ફિલ્મનું શુટિંગ કરવા માટેનું એક સ્થળ બની ગયું છે.
મંગળવારે સિદ્ધપુરમાં વ્હોરવાડ વિસ્તારમાં તમિલની ‘હેપી બર્થ ડે સીતા’ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે જેના નિર્માતા હનુરાઘવાપુડી છે. આ ફિલ્મમાં મૃનાલ ઠાકુર મુખ્ય અભિનેત્રીનું પાત્ર ભજવી રહી છે તો ફિલ્મમાં અભિનેતા તરીકે દિલકર સલમાન જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગને નિહાળવા સિદ્ધપુરવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
મહત્વનું છે કે, આ કોઈ પ્રથમ ફિલ્મ નથી કે જેનું શૂટિંગ સિદ્ધપુરમાં થઈ રહ્યું છે. આ પહેલા બોલીવુડ બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ ‘ રઈશ’ નું પણ શુટિંગ સિદ્ધપુરમાં થયું હતું. જેમ જેમ દિવસ જાય છે તેમ સિદ્ધપુર પોતાની આગવી ઓળખ ધરાવતું જાય છે જેને લઈ સિદ્ધપુર શહેરના લોકો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.