ભારત વિશ્વની સહુથી મોટી લોકશાહી છે અને ભારતમાં શાસન લોકો દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓ દ્વારા કરવાં આવે છે. ત્યારે આજે પ્રથમવાર મતદાન કરવા જનારા યુવા મતદારોને મતદાનની પ્રક્રિયાની સમજણ મળે તે હેતુથી ડીસા ખાતે કોલેજમાં અભ્યાસ કરતાં અને આગામી ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોને મતદાન અંગે સમજણ આપવામાં આવી હતી.
મતદાનએ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. ભારતનો નાગરિક 18 વર્ષનો થાય ત્યારે તેને મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રથમવાર મતદાન કરવા જતાં યુવા મતદારો ઘણીવાર મતદાન કેવી રીતે કરવું તેની સમજણ ના હોવાના લીધે અસમંજસમાં મુકાઇ જતાં હોય છે. જેને પગલે સરકાર દ્વારા મતદાર સાક્ષરતા નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમવાર મતદાન કરવા જતાં યુવા મતદારોને મતદાન અંગે સમજણ આપવામાં આવી રહી છે. જેમાં મતદાન કેવી રીતે કરવું, મતાધિકારનું મૂલ્ય શું છે, અને લોકશાહીમાં મતદાનનું કેટલું મહત્વ છે તે અંગે સમજણ આપવામાં આવી રહી છે. આજે ડીસાની કોલેજમાં અભ્યાસ કરતાં અને આગામી ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર તમામ વિધાર્થીઓને ડેમો મતદાન મથક તૈયાર કરી મતદાનની સમગ્ર પ્રક્રિયાની સમજણ આપવામાં આવી હતી.જેમાં કોલેજ ખાતે જ તૈયાર કરાયેલા ડમી મતદાન મથક માં કોલેજમાં અભ્યાસ કરતાં યુવા મતદારોને એક પછી એક બોલાવીને સમગ્ર મતદાનની પ્રક્રિયા સમજાવી હતી.
રિપોર્ટઃ અનિલ રાણા, ડીસા