એકબાજુ ગુજરાત સહિત દેશભરની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. ગુજરાતમાં લોકો પેટ્રોલ-ડીઝલ, શાકભાજીના વધતા જતા ભાવ, ગેસના વધતા જતા ભાવથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોંઘવારીનો માર સહન કરતી પ્રજાની ચિંતા છોડી ધારાસભ્યો માટે મોટી જાહેરાત કરી છે.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ધારાસભ્યોને મોટી ભેટ આપવામાં આવી છે. જે મુજબ ગાંધીનગરમાં સેક્ટર 17માં ધારાસભ્યો માટે હવે નવા નિવાસસ્થાન તૈયાર કરવામાં આવશે.
9 માળના કુલ 12 ટાવરો તૈયાર કરવામાં આવશે. જેનું આગામી વર્ષે 28 ફેબ્રુઆરી 2022ના રોજ ભૂમિપૂજન થશે. મળતી માહિતી મુજબ, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે અત્યાધુનિક નિવાસસ્થાનો બનાવાશે. જેનું 28 ફેબ્રુઆરી 2022માં નવા ધારાસભ્ય કવાર્ટસનું ભૂમિપૂજન કરવામાં આવશે.
રૂપિયા 140 કરોડના ખર્ચે 9 માળના 12 ટાવર બનાવવામાં આવશે. સેક્ટર-17 ખાતે 28 હજાર ચોરસ મીટરમાં ધારાસભ્ય નિવાસ તૈયાર કરાશે. 216 ચોરસ બિલ્ડપ એરિયામાં એક કવાર્ટસ તૈયાર થશે. ધારાસભ્યોને જે આવાસ અપાશે તેમાં 4 બેડરૂમ, એક રીડિંગ રૂમ રાખવામાં આવશે.
સાથે જ હોલ, કિચન, ડાઈનિંગ રૂમ અને ડ્રાઈવર માટે રૂમની સુવિધા પણ આપવામાં આવશે. આ સાથે જ બે ગાર્ડન, ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, વોકિંગ ટ્રેક અને પ્લેગ્રાઉન્ડની પણ સુવિધા મળશે. મહત્વનું છે કે, સેક્ટર 17માં તૈયાર થનાર આ આવાસની કામગીરીનું ભૂમિપૂજન 28 ફેબ્રુઆરી 2022ના રોજ કરાશે.