રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રાન્ટ સમિટને લઈને મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ અને ઉદ્યોગકારો દ્વારા ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સમિટ માટે 1937 જેટલા ઉદ્યોગકારો અને 1904 જેટલી કંપનીઓએ નોંધણી કરાવી દીધી છે.
ત્યારે હાલ કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો વિશ્વના અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે. જેને લઈ ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટને લઈ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. જેના પગલે કોંગ્રેસે ગુજરાત વાયબ્રન્ટ સમિટને રદ્દ કરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કોરોના સંક્રમણ વચ્ચે મોટાપાયે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ વાયબ્રન્ટ સમિટની તૈયારીને લઈ નિશાન સાધ્યું છે.
મળતી માહિતી મુજબ, કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વ ચિંતામાં મૂકાયું છે. ત્યારે તંત્ર દ્વારા રાજ્યના તમામ એરપોર્ટ પર અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા વાયબ્રન્ટ સમિટ રદ કરવા માંગ કરાઈ રહી છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, નવા વેરિઅન્ટથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું છે. ભય વચ્ચે ગુજરાત સરકાર વાયબ્રન્ટના તાયફા કરે છે. નમસ્તે ટ્રમ્પથી ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઇ હતી. સરકાર લોકોના જીવ જોખમમાં મુકી રહી છે. તેમણે રાજ્ય સરકારને ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, તાત્કાલિક વાયબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્યણ લેવામાં આવે અને જો તાયફા રદ નહીં થાય તો જનતા રસ્તા પર ઉતરશે.