નર્મદા: વિશ્વના સૌથી મોટાં જંગલ સફારી પાર્કમાં દેશ-વિદેશનાં પ્રાણી-પક્ષીઓની સંખ્યામાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે. નર્મદાના કેવડિયા ખાતે આવેલા ૩૭૫ એકરમાં ફેલાયેલ પાર્કમાં દેશ-વિદેશનાં ૧૧૦૦થી વધુ પ્રાણી-પક્ષીઓ છે.
એમાં ક્રમશ નવા પ્રાણી પક્ષીઓનો ઉમેરો થઈ રહ્યો છે. તાજેતરમાં પ્રવાસીઓના આકર્ષણ માટે નવા પ્રાણી-પક્ષીઓનું આગમન થયું છે. જેમાં ક્રોકોડાઇલ પાર્કમાં ઘડિયાળ મગર સહીત અન્ય મગરો કુદરતી વાતાવરણમાં જોઈ શકાય છે. આ ઉપરાંત વિદેશી પક્ષી મકાઉ સહિત નવા પક્ષીઓનું આગમન થયુ છે.
ત્યારે શનિવાર અને રવિવાર હોવાથી વિકેન્ડમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા હતા. પીઆરઓ રાહુલ પટેલે આ અંગે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જંગલ સફારી પાર્કમાં ક્રોકોડાઇલ પાર્ક, વિદેશી પક્ષીઓ, રીંછ,વરુ જેવા નવા પ્રાણીઓનુ આગમન થયું છે.
ઉપરાંત ટૂંક સમયમાં ભારતના એકપણ પ્રાણી સંગ્રહાલયમાં ન જોયા હોય એવા પ્રાણીઓનું આગમન થશે. મહત્વનું છે કે, અસહ્ય ગરમીમાં પશુ-પક્ષીઓ માટે AC, કુલર અને પંખા પણ મુકવામાં આવ્યા છે.